ગુજરાતમાં સ્કૂલો, એરપોર્ટ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અવારનવાર ધમકીઓ આપવામાં આવી છે. ત્યારે આજે ફરીવાર વડોદરા અને અમદાવાદ શહેરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળ્યો છે. અમદાવાદની ચાર અને વડોદરાની પાંચ સ્કૂલોને બોમ્બની ધમકી મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. અમદાવાદના મકરબામાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ,એશિયા સ્કૂલ અને A વન સ્કૂલ અને કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમો દ્વારા સ્કૂલોમાં ચેકિંગ
જે સ્કૂલોને ધમકી મળી છે ત્યાંથી બાળકોને ઘરે મોકલવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમો દ્વારા સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરાયું છે. બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. વડોદરામાં આ ઈમેલ મળતા જ શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલવા વાલીઓને જાણ કરી દીધી છે. સ્કૂલોને ધમકી મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.