ગુજરાતમાં હવામાન વિભાગે ભર શિયાળે માવઠાની આગાહી કરી છે. ગઈકાલે કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી હતી. આજે બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે માવઠુ થવાની શક્યતાઓ છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર ઓછું થઈ જતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છએ.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે માવઠુ થવાની શક્યતાઓ છે. અમદાવાદ સહિત રાજ્યના 18 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીને વટાવી જતાં ઠંડીમાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં ઠંડીમાં કોઈ વધારો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. ગઈકાલે મહેસાણા અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદી છાંટા પડ્યા હતાં. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવવની ગતિ ૨૦થી ૨૫ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યાતઓ છે. ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફનો પવન ફૂંકાશે.