વડોદરાઃ અમદાવાદની આઠ જેટલી સ્કૂલને ધમકી ભર્યો ઈ મેઈલ મળ્યા બાદ હવે વડોદરાની ક્લેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. જે ધમકીભર્યા મેઈલમાં સ્પષ્ટ કરાયું હતું કે, 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેજો, અન્યથા બોંબથી ઉડાવી દઈશું. આ ધમકીના પગલે વડોદરા પોલીસે યુદ્ધના ધોરણે કચેરીની તપાસ કરી હતી. અકોટા પોલીસની ટીમ, SOG, ક્રાઈમ બ્રાંચ, બોંબ તથા ડોગ સ્ક્વોડ ટીમ તપાસ શરૂ કરી હતી. ક્લેક્ટર કચેરીમાં અરજદારોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
DCP મંજિતા વણઝારાએ કરી સ્પષ્ટતા
આ મુદ્દે DCP મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે, મેઈલ મળતા પોલીસની ટીમ તપાસ માટે રવાના થઈ હતી. કચેની અંદર અને બહાર બન્ને તરફ ચેકિંગ કરાયું છે. હજું સુધી કોઈ એવી શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. વહેલી સવારે 6 વાગ્યે આ મેઈલ મળ્યો હતો. અમદાવાદમાં મળેલા ઈ મેઈલ સાથે આ મેઈલનું કોઈ ક્નેક્શન છે કે નહીં એ અંગે તપાસ કરવામાં આવશે. જોકે, ધમકીભર્યો મેઈલ ક્યાંથી થયો, ક્યા વીપીએનનો ઉપયોગ કરવામાં આવ્યો એ અંગે તપાસ ચાલું કરી દેવામાં આવી છે. મેઈલમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કચેરીના પરિસરમાં બોંબ મુકાવમાં આવ્યો છે. જે 1 વાગ્યે વિસ્ફોટ થશે.પરિસ્થિતિને ધ્યાને લઈને ક્લેક્ટર કચેરીના તમામ કર્મચારીઓને અડધા દિવસની રજા આપી દેવામાં આવી છે.
ડોગ સ્ક્વોડ અને બોંબ સ્ક્વોડે તપાસ કરી
ડોગ સ્ક્વોડ અને બોંબ સ્ક્વોડે દરેક ખૂણાની તપાસ કરી હતી.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર દરેક કચેરી તથા સ્ટાફરૂમની ઝણવટભરી તપાસ કરવામાં આવશે.હજુ સુધી પરિસર કે કચેરીમાંથી કોઈ જ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી. વાંધાજનક કોઈ સામગ્રી પણ મળી નથી. સુરક્ષાના કારણોસર કચેરીઓ ખાલી કરાવાઈ છે. સમગ્ર મેઈલના પગેલ વડોદરા ક્રાઈમ બ્રાંચે પણ તપાસ કરી છે. આ મેઈલ કોણે કર્યો અને ક્યાંથી કર્યો એ અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઈ છે. કોઈ ભય ફેલાવવા માટે આ કૃત્ય કરાયું છે કે, કેમ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ખાસ કરીને જ્યાં લોકોની અવરજવર વધારે છે એ વિભાગોની પહેલા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે અવરજવર માટેના તમામ ગેઈટ બંધ કરાવી દીધા હતા.