વૃંદાવનઃ પાલનહાર ગણાતા બાંકે બિહારીલાલના મંદિરમાં 500 વર્ષ જૂની પરંપરા તૂટી છે. ઠાકોરજીને પહેલીવાર બાલ અને શયન ભોગ અર્પણ કરવામાં ન આવતા પરંપરા તૂટી છે. મીઠાઈવાળાને યોગ્ય રીતે ચૂકવણી ન થતા આવું બન્યું હોવાનું જાણવા મળે છે. આ મુદ્દાને લીઈને મંદિરના પંડિતોમાં આક્રોશની લાગણી છે. બીજી તરફ મંદિર કમિટીએ પોતાના બચાવ કરતા નિવેદન કર્યા છે. વૃંદાવનમાં બાંકેબિહારી લાલ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે. સોમવારે પણ ઠાકોરજીના દર્શને ભાવિકો આવ્યા હતા.

બાલ ભોગ અને શયન ભોગ ન અપાયો
મંદિરમાં બાંકે બિહારીલાલને સવારે બાલ ભોગ અને સાંજે શયન ભોગ અર્પણ કરવામાં આવે છે. સોમવારે આ બન્નેમાંથી કોઈ જ ભોગ અર્પણ કરાયા ન હતા. આ મંદિરની વ્યવસ્થાઓને લઈને સુપ્રીમ કોર્ટે એક હાઈ પાવર કમિટીની રચના કરી છે. જેના અંતર્ગત કૃષ્ણજીનો પ્રસાદ અને ભોગ સામગ્રી તૈયાર કરવા મીઠાઈવાળાની નિયુક્તિ કરવામાં આવે છે. ભોગ તૈયાર કરવા માટે દર મહિને મીઠાઈવાળાને 80 હજાર રૂપિયા આપવામાં આવે છે પરંતુ, છેલ્લા કેટલાક મહિનાઓથી આ પૈસા ચૂકવવામાં આવ્યા નથી. જેના કારણે ભોગ તૈયાર કરાયો ન હતો. મંદિરના પંડિતે જણાવ્યું હતું કે, ભોગ તૈયાર કરાવવાની જવાબદારી મયંક ગુપ્તા નામના વ્યક્તિ પાસે છે. તે સવારે બાલ ભોગ, બપોરે રાજભોગ અને સાંજે ઉત્થાપન ભોગ તેમજ રાત્રે શયન ભોગ માટે વ્યવસ્થા કરાવે છે.

કમિટી સભ્યનું નિવેદન
કમિટી સભ્યએ જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં પ્રભુ માટે ભોગ તૈયાર થાય છે. પણ સોમવારે ભોગ અર્પણ ન થયો હોવાની જાણકારી મળી હતી. મંયક ગુપ્તાની પૂછપરછ કરવામાં આવી એ સમયે તેમણે જણાવ્યું કે, અગાઉના પૈસા ચૂકવવાના બાકી છે. તેથી ભોગ તૈયાર થયો નથી. ઝડપથી પૈસા માટેની વ્યવસ્થાના આદેશ આપવામાં આવ્યા છે. આવી ઘટના બીજીવાર ન થાય એની ખાસ કાળજી રાખવામાં આવશે. પ્રભુને દિવસમાં બે વખત મીઠાઈનો ભોગ ધરવામાં આવે છે. ભોગ અર્પણ ન થવાને લઈને અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. કમિટી સામે ફરી વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થયા છે. જોકે, કમિટીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આ પ્રકારની કોઈ મુશ્કેલી ન પડે એનું પુરતું ધ્યાન રાખવામાં આવશે.