ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. શિયાળો બરાબર જામી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીની અસરમાં વધારો અનુભવાયો છે. લઘુત્તમ તાપમાનમાં ખાસો ઘટાડો નોંધાયો છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારે માત્ર 06 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા પવનને લઈને આગાહી
બીજી તરફ ઉત્તરાયણને હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા પવનને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આવતીકાલે ઉત્તરાયણના દિવસે વહેલી સવારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. દિવસ દરમિયાન વાતાવરણ સ્વચ્છ રહેશે. ઉત્તરાયણના દિવસે ઉત્તર ગુજરાતમાં 10થી 12 કિ.મી અને સૌરાષ્ટ્રમાં 12થી 14 કિ.મી તેમજ દક્ષિણ ગુજરાતમાં 13થી 14 કિ.મી અને મધ્ય ગુજરાતમાં 10થી 11 કિ.મી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. આ વર્ષે પવનની ગતિ ગત વર્ષની તુલનામાં થોડી ઓછી રહેશે.
આગામી 24 કલાકમાં તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થશે
ગુજરાતમાં ઉત્તરાયણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. પવનની ગતિને લઈને અંબાલાલ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં ઉત્તરાયણના દિવસે સવારે પવનની ગતિ સાતથી 9 કિ.મી રહી શકે છે. બપોર પછી પવનની ગતિમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે.બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વાતાવરણ સુકુ રહેશે. આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં વધારો થશે. ત્યાર બાદ ચાર દિવસમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટશે. આગામી 24 કલાકમાં તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થશે.