ગુજરાતમાં ઉત્તરાયણ બાદ બેવડી ઋતુનો અહેસાસ થતો હતો. હવે ગઈકાલથી અચાનક ઠંડીમાં વધારો થતાં લોકો ઠૂંઠવાયા હતાં. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં ત્રણેક ડિગ્રીનો ઘટાડો થયો છે. કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર તરફના પવનોની ગતિને કારણે આગામી એકાદ દિવસ ઠંડીનો અનુભવ થશે. ઉત્તરમાં થયેલી હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. વહેલી સવાર અને મોડી રાતે લોકોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ રહી છે.વેસ્ટર્ન ડિસ્ટરન્સની અસરથી ઠંડીનું જોર વધ્યું છે અને નલિયા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે
રાજ્યમાં ઉત્તરમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીનું જોર વધ્યું છે. આગામી 24 અને 25 જાન્યુઆરીએ આ ઠંડી હજુ પણ જળવાઈ રહેશે.તાપમાનમાં રાજ્યના વિવિધ ભાગોમાં 5થી 9ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં 26 જાન્યુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન થોડું વધશે અને ઠંડીમાં કામચલાઉ રાહત મળશે. ઠંડીનો બીજો રાઉન્ડ 28-29 જાન્યુઆરી બાદ ફરી એકવાર શરૂ થવાની શક્યતા છે. અમદાવાદમાં 14.8 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી, ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.